ભારતીય ટીમની ભૂતપૂર્વ સુકાની કહે છે થોડું માર્ગદર્શન મળે તો રાજયની ખેલાડીઓ દેશનું નામ રોશન કરી શકે તેમ છેગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની મહિલા ક્રિકેટરોમાં પ્રતિભા છે અને તેમને જરૂરી માર્ગદર્શન મળે તો તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ છે તેમ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની મમતા માબેને જણાવ્યું હતું.
સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે હાલમાં રાજયની મહિલા ક્રિકેટરો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં એક સલાહકાર તરીકે મમતા માબેને હાજરી આપી હતી. તેમણે રાજયની નવોદિત તથા અનુભવી એમ તમામ ખેેલાડીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને રાષ્ટ્રીય તથા આતંરરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે સક્ષમ થવા માટે કેવી તૈયારી કરવી જોઇએ તેની તાલીમ આપી હતી.
ભાસ્કર સાથે વાતચીત કરતાં મમતાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી મોટેરા સ્ટેડિયમ પર જે કેમ્પ ચાલી રહ્યો છે તેમાં હાજર રહેલી ખેલાડીઓની રમત ઉપર મેં સમીક્ષા કરી છે. તેના પરથી ખ્યાલ આવી જાય છે કે ગુજરાતની ખેલાડીઓમાં ટેલેન્ટની કોઇ કમી નથી. તેમના ક્રિકેટમાં વિકાસની જરૂર છે અને વિકાસ થશે તે સાથે જ આ ખેલાડીઓ દેશની ટીમમાં આવી શકે તેમ છે.
હાલમાં તાલીમ લઇ રહેલી ખેલાડીઓમાં દિશા, દીપા, દર્શના, ખ્યાતિ અને પાયલ પંચાલ જેવી ખેલાડીઓમાં ઘણી પ્રતિભા છે તેમ કહીને ભારતીય મહિલા ટીમ માટે ૪૦ વન-ડે રમી ચૂકેલી મમતા માબેને જણાવ્યું હતું કે દરેક ખેલાડીમાં કોઇને કોઇ ખાસિયત હોય છે, પ્રતિભા હોય છે પણ તે આવડતને બહાર કઢાવવાની જરૂર હોય છે.
તેમને થોડાક માર્ગદર્શનની જરૂર હોય છે. તેમને સહેજ ધક્કો મારો તો ગાડી ઝડપ પકડી લેતી હોય છે. બસ, આવું જ કાંઇક ગુજરાતની અત્યારે તાલીમ લઇ રહેલી છોકરીઓને જરૂર છે.ભારતીય મહિલા ટીમ અંગે પ્રશ્ન થતાં ૧૯૯૩થી ૨૦૦૭ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરનારી મમતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ભલે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે હારી ગઇ હોય પણ એ ના ભૂલવું જોઇએ કે ભારત વલ્ર્ડકપમાં રનર્સ અપ બન્યું હતું.
હવે ટીમ ઇંગ્લેન્ડ જવાની છે અને ત્યાં પણ સારો દેખાવ કરશે તેવી મને શ્રદ્ધા છે.બીસીસીઆઇએ મહિલા ક્રિકેટ હસ્તગત કર્યું તેનાથી કોઇ ફરક પડયો છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં મમતા માબેને જણાવ્યું હતું કે અગાઉ કરતાં સવલતો વધી છે, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ફરક પડયો છે અને આર્થિક રીતે પણ ઘણો ફેર પડી ગયો છે.

લોડ થઈ રહ્યું છે...